
અમદાવાદ, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર
સ્કૂલોની ફી માફીને લઈને સરકાર અને સંચાલકો વચ્ચે કોઈ બાબતે સહમતી સધાતી નથી અને ફીને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સરકાર ફી કમિટી પાસેથી સ્કૂલોના ખર્ચા,શિક્ષકોના પગાર ખર્ચ સહિતનો ડેટા મેળવી તે મુજબ ફી કેમ નક્કી ન કરી શકે ?શા માટે ફી જેવા મુદ્દા માટે પણ સરકારને હાઈકોર્ટના શરણે જવુ પડી રહ્યુ છે?
કોરોનાને સ્કૂલો પાંચ મહિના કરતા વધુ સમયથી બંધ છે અને હજુ પણ દિવાળી સુધી રેગ્યુલર ચાલુ થાય તેમ નથી ત્યારે એક સત્રની ફી માફી કરવા માટે રાજ્યભરના વાલીઓમાં અને વાલી મંડળોમાં ઉગ્ર માંગ ઉઠી છે.સરકારે સ્કૂલો ન ખુલે ત્યાં સુધી સંપૂર્ણ ફી માફી આફી સ્કૂલોને ફી ન લેવા આદેશ કર્યા બાદ સંચાલકો હાઈકોર્ટમાં જતા હાઈકોર્ટે સરકારનો ફી માફીનો ઠરાવ રદ કર્યો હતો. ઉપરાંત સરકારને સંચાલકો સાથે મીટિંગ કરી મુદ્દે નિર્ણય લેવા આદેશ કર્યો હતો.સરકારે સંચાલક મંડળો સાથે બે વાર મીટિંગ પણ કરી હતી અને 25 ટકા સુધી ફી માફી આપવાની દરખાસ્ત મુકી હતી પરંતુ સંચાલકો ખાસ કરીને મોટી ખાનગી સ્કૂલોના સંચાલકો 25 ટકા ફી માફી માટે તૈયાર નથી.
આમ સરકાર અને સંચાલકો વચ્ચે સહમતી ન સધાતા ફરી એકવાર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને સરકારે ફી મુદ્દે હાઈકોર્ટને દિશા-નિર્દેશ આપવા માંગણી કરી છે.હજુ સુનાવણી થઈ નથી. મહત્વનું છે કે ફી જેવા સામાન્ય મામલે પણ સરકારને હાઈકોર્ટની શરણ લેવી પડે છે.દરેક મુદ્દે સરકાર હાઈકોર્ટમાં જ પહોંચી જાય છે.વાલીઓમા ફરિયાદ ઉઠી છે કે સરકાર અને શિક્ષણમંત્રીની સંચાલકો પર પકડ ઘટી છે.
શિક્ષણમંત્રી સંચાલકોને બે મીટિંગ બાદ પણ ફી મુદ્દે સમજાવી કે મનાવી શક્યા નથી .જે સરકાર માટે શરમની વાત કહી શકાય કારણકે વાલીઓ-લોકો કોઈ પણ પ્રશ્નની માંગણી માટે સરકાર પાસે જ જાય અને સરકાર દરેક મુદ્દે હાઈકોર્ટમાં પહોંચી જાય તો સરકાર-મંત્રીઓનું શું કામ ?ફી જેવા મુદ્દા માટે સરકારે કોઈ પણ નક્કર કામગીરી કરી નથી અને માત્ર બે વાર મીટિંગ કરી હાઈકોર્ટમાં પીટિશન કરી દીધી છે.વાલીઓની એવી પણ ફરિયાદ છે કે સરકાર પાસે પોતાની જ ફી રેગ્યુલેશન કમિટી છે અને ફી કમિટી પાસે રાજ્યની તમામ સ્કૂલોના ઓડિટેડ હિસાબો,શિક્ષકો-સ્ટાફના દર વર્ષના વાર્ષિક પગાર ખર્ચ અને અન્ય ખર્ચા સહિતનો તમામ રેકોર્ડ છે.
જ્યારે સંચાલકો સ્ટાફને પગાર આપવાની દલીલ સાથે ફી માફી આપવા તૈયાર નથી તો ફી કમિટી પાસેના પગાર ખર્ચના રેકોર્ડ પરથી એ તો નક્કી થઈ શકે કે કઈ સ્કૂલનો કેટલા પગાર ખર્ચ છે અને ખરેખર કેટલો ખર્ચ સ્કૂલો પગાર પાછળ કરે છે.સરકાર દ્વારા અગાઉ માત્ર વાહવાહી લેવા ખાતર સંપૂર્ણ ફી માફી આપી દેવાઈ હતી,પરંતુ તે શક્ય જ નથી કારણકે સ્કૂલોને પગાર ખર્ચ માટે ફી તો જોઈએ પરંતુ કેટલી ફી લઈ શકાય તે તો સરકારે જ નક્કી કરવુ પડે અને એક ચોક્કસ ગાઈડલાઈન તૈયાર કરવી પડે.
સંચાલકો તૈયાર નથી ત્યારે ફી માફી માટે સ્કૂલોની ફી મુજબ સ્લેબ પણ થઈ શકે
સંચાલકો તમામ વર્ગના તમામ વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફી માટે તૈયાર નથી.સંચાલકો જરૂરિયાતમંદ બાળકોની જ 100 ટકા ફી માફી માટે તૈયાર છે.પરંતુ એક-બે ટકા બાળકોનીજ 100 ટકા ફી માફી થાય અને બાકીનાની એક ટકો પણ નહી તો મોટો વિવાદ ઉભો થાય તેમ છે અને સરકારને લાખો વાલીઓનો આક્રોશ સહન કરવો પડે.
સરકાર 25 ટકા સમાન ફી માફીના પક્ષમાં છે પરંતુ સંચાલકો માનવા તૈયાર નથી ત્યારે ફી માફી માટે પણ સ્લેબ નક્કી કરી શકાય .જે સ્કૂલોની ફી 50 હજારથી ઉપર છે ત્યાં 15 ટકા ફી માફી અને 50 હજારથી નીચેની ફી હોય તેવી સ્કૂલોમાં 25 ટકા ફી માફી પણ આપી શકાય.
ઉપરાંત જે મોટી સ્કૂલોમાં સંપૂર્ણપણે ઓનલાઈન ક્લાસ ચાલ્યા છે અને ફી ઊંચી છે તે સ્કૂલોને પોતાની રીતે સમાનપણે ફી માફીની ટકાવારી નક્કી કરવાની છુટ પણ આપી શકાય.જો કે હાલ તો હવે સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે ત્યારે હાઈકોર્ટ ફી મુદ્દે શું ગાઈડલાઈન નક્કી કરે છે અને સંચાલકો કે વાલીઓને કેટલો ફાયદો-નુકશાન થશે તે તો હાઈકોર્ટના નિર્ણય બાદ જ ખબર પડશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hVSOlv
via IFTTT
إرسال تعليق