એક્સેસ ટેક્સ પોતાની પાસે રાખવાની મહેસૂલ વિભાગને સત્તા નથી : હાઇકોર્ટ


અમદાવાદ, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર

મહેસૂલ વિભાગને એક્સેસ ટેક્સ એટલે કે વધારે ચૂકવાયેલો ટેક્સ પોતાની પાસે રાખવાની કોઇ સત્તા નથી એટલે આ રકમ રિફંડ સ્વરૂપે સંબંધિત કરદાતાને મળવી જોઇએ તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટ તાજેતરના એક ચુકાદામાં નોંધ્યું છે.

ગુજરાતની એક ખાનગી કંપનીને 1.82 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવાનો આદેશ વેટ(વેલ્યુ એડેડ ટેક્સ) ટ્રિબ્યુનલે કર્યો હોવા છતાં રિફંડ ન મળતા અરજદાર કંપનીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં અરજદારને રિફંડ આપવાના આદેશમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે આ અવલોકન કર્યું છે.

વડોદરાની ઓઇલ-ગેસ ક્ષેત્રની એક  કંપનીની અરજદાર તરીકે રજૂઆત હતી કે તેમણે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ વિભાગને 4 ટકાના બદલે 10 અને 12.5 ટકાના દરે ટેક્સ ચૂકવ્યો હતો, પરંતુ તેમને રિફંડ આપવામાં આવ્યું નહોતું. તેમની રિફંડની લેણી નીકળતી રકમ 1.82 કરોડ હતી તેથી તેમણે સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હતી, પરંતુ તેમની રજૂઆતો અને અરજીઓ ધ્યાને લેવામાં આવી નહોતી.

જેથી તેમણે અમદાવાદ સ્થિત ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી અને ટ્રિબ્યુનલે આ રકમ અરજદારને ચૂકવવા આદેશ કર્યો હતો. ટ્રિબ્યુનલના આદેશનો વેટ વિભાગે અમલ ન કરતા અરજદારે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.જેમાં તમામ પક્ષોને સાંભળી હાઇકોર્ટે સરકારને રિફંડની રકમ છ ટકાના સાદા વ્યાજના દરે ત્રણ મહિનાની સમયમર્યાદામાં ચૂકવવા આદેશ કર્યો છે. 

આ ઉપરાંત કોર્ટે અવલોકન નોંધ્યું છે કે કરદાતાઓએ વધારે ચૂકવેલો ટેકસ પોતાની પાસે જપ્ત કરવાની સત્તાની જોગવાઇ કોઇ કાયદામાં નથી. જો ટેક્સ વસૂલનારા વિભાગ પાસે રિફંડ જપ્ત કરવાની સંગ્રહ કરી રાખવાની કોઇ સત્તા જ નથી તો જે-તે કરદાતા તેમને મળવાપાત્ર રિફંડ મેળવવાના હકદાર છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ew6zJ7
via IFTTT

Post a Comment

أحدث أقدم