અમદાવાદના પૂર્વ પટ્ટામાં ચાર ઇંચ વરસાદમાં અનેક વિસ્તારો જળબંબાકાર


અમદાવાદ, તા. 18 ઓગસ્ટ, 2020, મંગળવાર

અમદાવાદ પૂર્વપટ્ટામાં સાડા ત્રણથી ચાર ઇંચ વરસાદમાં મોડી રાતના જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મ્યુનિ. કોર્પોરેશનના પ્રિમોન્સુન એક્શન પ્લાનની ક્યાંય જોવા મળતી ના હતી. રાતના તો ઠીક આજે દિવસ દરમ્યાન પણ વટવાના અને સરસપુર રોજાના માર્ગો પર પાણી ભરાયેલાં હતાં.

બીઆરટીએસનો ટ્રેક અને મોડેલ રોડ ઉંચા લેવાતા તેની બન્ને તરફની સોસાયટીઓ અને ચાલીઓમાં પાણી ફરી વળે છે. ઘણી જગ્યાએ લોકોએ મોડી રાત સુધી ઉજાગરો કર્યો હતો.

દાણીલીમડાથી ચંડોળા તરફના તેમજ ઉત્તરઝોનમાં અનેક ગટરો વરસાદ પડતાની સાથે જ બેક મારવાનું ચાલુ કરી દે છે. ગટરો સમયસર સાફ થતી નથી અને પૂરેપૂરી ભરાયેલી રહેતી હોવાથી તૂટેલા રોડ કરતાં પણ ગંભીર પ્રશ્ન ઉભરાતી ગટરોનો સર્જાવાનો છે.

પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરીને ખારીકટ કેનાલ નજીક કેમિકલવાળું પાણી ઉભરાઈને રોડ પર આવી ગયું હતું. ગોમતીપુરની ચાલીઓમાં લોકોના ઘરોમાં એક-એક ફૂટ પાણી ઘુસી ગયા હતા. 

ત્રણ દરવાજા વિસ્તારમાં અગાઉ ક્યારેય પાણી ભરાતું ના હતું, ભદ્રચોકના વિકાસ બાદ આ નવી સમસ્યા પેદા થઈ છે. ગઈ રાતના 1 ફૂટ પાણી રોડ પર ભરાયું હતું. મણિનગરનાં કેટલાંક વિસ્તારોમાં પણ ગટરો બેક મારતી હતી.

ઉત્તર ઝોનમાં શારદાબેન હોસ્પિટલ, અનિલ સ્ટાર્ચ મીલ, મંછાની મસ્જીદ, બાપુનગર ચાર રસ્તા, ઇન્ડિયા કોલોની, નરોડા રોડ આખો, સૈજપુર ટાવર સહીત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પૂર્વ ઝોનમાં અને દક્ષિણ ઝોનમાં વટવા, વિરાટનગર, સોનીની ચાલી, ઓઢવ, નિકોલ ગામ, રખિયાલ ચાર રસ્તા, મલેકસાબાન સ્ટેડિયમ પાસે સૌથી ખરાબ સ્થિતિ છે.

નાગરવેલ હનુમાન, હાટકેશ્વર, ન્યુકોટન મીલ, દાણીલીમડા સહીત અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. પશ્ચિમના પટ્ટામાં પણ વાસણા, પાલડી, જીવરાજ મહેતા હોસ્પિટલ રોડ, આંબાવાડી ચોક, લખુડી તલાવડી, હેલ્મેટ સર્કલ, એઈસી સર્કલ, વસ્ત્રાપુર લેકથી માનસી તરફનો રોડ પાણીમાંથી ભરાયેલો હતો.

આજે અનેક ખુલ્લા પ્લોટો અને પાર્કિંગ પ્લોટો પાણીથી ભરાયેલાં છે. આ સ્થિતિ જોતા આગામી દિવસોમાં કોરોનાથી પણ વધુ પ્રમાણમાં મેલેરિયા અને ડેન્ગ્યુ ફાટી નીકળશે તેમ જણાય છે. સ્ટેન્ડિંગ કમિટીમાં છેલ્લી ત્રણ વખતથી ચર્ચા થાય છે, જેમાં જણાવાય છે કે 37 સ્થળોએ જ પાણી ભરાય છે. ક્યા 37 સ્થળો તેની યાદી પણ કોઈ આપી શકતું નથી. ખરેખર તો 200થી 250 જગ્યાએ પાણી ભરાવાનું ચાલુ થયું છે. જ્યાં વિકાસ કામો થાય છે, ત્યાં ધ્યાન નહીં રખાતું હોવાથી નવી સમસ્યા પેદા થાય છે. પાણી ભરાવાની સમસ્યા તેમાની એક છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ye0Uy2
via IFTTT

Post a Comment

أحدث أقدم