
અમદાવાદ, તા. 9 ઓગસ્ટ, 2020, રવિવાર
અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના કારણે આઠ કોરોના દર્દીઓ સળગીને મૃત્યુ પામ્યા છે. ઘટનાની નિષ્પક્ષ તપાસની માગણી કરતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.
અરજદારની રજૂઆત છે કે શ્રેય જેવી કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો રાજ્યભરના ફાયર બ્રિગેડો તેનો સામનો કરવા માટે કેટલાં સશ્રમ છે તેનો અહેવાલ રાજ્ય સરકારે આપવો જોઇએ. રિટની સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોર્પોરેશનના ફાયર વિભાગને પક્ષકાર બનાવી કરવામાં આવેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે છઠ્ઠી ઓગસ્ટની રાત્રે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાના કારણે આઠ કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે અને અન્ય વ્યક્તિઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.
આ દુર્ઘટના પાછળ હોસ્પિટલ સંચાલકો અને તંત્રની સંખ્યાબંધ બેદરકારીઓ કારણભૂત છે. અરજદાર દ્વારા રિટમાં માગણી કરવામાં આવી છે કે રાજ્યમાં આવી કેટલી ઇમારતો ફાયર એન.ઓ.સી. વગર ચાલી રહી છે તેની વિગત સરકાર એક અઠવાડિયમાં કોર્ટમાં આપે. આ ઉપરાંત શ્રેય હોસ્પિટલ દુર્ઘટનામાં અધિકારીઓ અને સંચાલકોની જવાબદારી નક્કી કરી યોગ્ય પગલાં લેવામાંઆવે.
ગુજરાત હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ફાયર સેફ્ટી વિશે આદેશો અને ચુકાદાઓ આપ્યા છે. હોસ્પિટલોમાં આ ચુકાદાના નિર્દેશોનું પાલન થાય છે કે નહીં તેનો અહેવાલ રાજ્ય સરકાર આપે. રાજ્યભરના ફાયરબ્રિગેડ શ્રેય જેવી કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો તેને ખાળવા માટે કેટલાં સક્ષણ છે તે અંગેનો એક અહેવાલ પણ રાજ્ય સરકારે આપવો જોઇએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PAaUg6
via IFTTT
Post a Comment