આજથી ધો.10-12ની પુરક પરીક્ષા : 1.5 લાખથી વધુ વિદ્યાર્થી


અમદાવાદ, તા. 24 ઓગસ્ટ, 2020, સોમવાર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટ લેવાયા બાદ આવતીકાલે 25મીથી રાજ્યભરમાં ધો.10-12ની પુરક પરીક્ષા લેવાનાર છે.જેમાં 1.56 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે. કોરોના અને ભારે વરસાદ વચ્ચે આવતીકાલથી બોર્ડની પુરક પરીક્ષા લેવાનાર છે.ધો.10 અને 12 સાયન્સની હાલ પુરક પરીક્ષા લેવાઈ રહી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં  સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે અને કેટલાક જિલ્લામાં પુર જેવી સ્થિતિ છે ત્યારે પુરક પરીક્ષામાં બાળકોને મુશ્કેલી પડશે.પરીક્ષા મોકુફ કરવાની પણ એનએસયુઆઈએ માંગ કરી હતી પરંતુ પરીક્ષા હવે પાછી ખેંચી શકાય તેમ નથી.

કોરાનોને પગલે પહેલેથી વિલંબિત પરીક્ષા હવે લેવી પડે તેમ છે.આવતીકાલે પ્રથમ દિવસે ધો.10માં માંડ 1200 વિદ્યાર્થી જ છે અને ધો.12 સાયન્સમાં પણ પ્રથમ ભાષાની પરીક્ષા હોવાથી ઓછા વિદ્યાર્થી છે. જેથી વરસાદ-કોરોનામાં મુશ્કેલી પડે તેમ નથી.28મી સુધી પુરક પરીક્ષા ચાલનાર છે.

ધો.12 સાયન્સમાં 23830 અને ધો.10-માં 1,31,901 વિદ્યાર્થી નોંધાયા છે.ધો.10ની પરીક્ષા 612 પરીક્ષા સ્થળોમાં 6192 વર્ગખંડમાં અને ધો.12ની પરીક્ષા 131 પરીક્ષા સ્થળમાં 1147 વર્ગખંડોમાં લેવાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hsmhD4
via IFTTT

Post a Comment

Previous Post Next Post