રાજસ્થાન હાઇકોર્ટે પાઇલટ જૂથને આપી મોટ્ટી રાહત


-અશોક ગેહલોત રાજ્યપાલને મળવાની તજવીજમાં

-હવે સૌની નજર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર છે

જયપુર/ નવી દિલ્હી તા. 24 જુલાઇ 2020, શુક્રવાર

રાજસ્થાન હાઇકોર્ટે સચિન પાઇલટ જૂથને મોટ્ટી રાહત આપતાં રાજસ્થાનના સ્પીકરે આ જૂથને આપેલી નોટિસ સામે સ્ટે ઓર્ડર આપ્યો હતો. સ્પીકરે આ જૂથને પક્ષાંતર ધારાની જોગવાઇ હેઠળ નોટિસ આપી હતી. 

રાજસ્થાન હાઇકોર્ટે લીધેલા નિર્ણયનો અર્થ એ છે કે હાલની સ્થિતિને કોર્ટે બહાલ રાખી હતી. હવે સ્પીકર સી પી જોશી મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે બળવો કરનારા જૂથને ધારાસભ્યપદેથી હટાવી નહીં શકે કે ગેરલાયક નહીં ઠરાવીશકે. હાઇકોર્ટે કહ્યું હતું કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટને હવે નિર્ણય કરવા દો. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આખરી રહેશે.

દરમિયાન, પોતે હજુ બહુમતી ધરાવે છે એવું સાબિત કરવા મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે વિધાનસભાની બેઠક બોલાવવા ગવર્નર કલરાજ મિશ્રને પત્ર મોકલ્યો હતો. સચિન પાઇલટ જૂથમાં ત્રીસ સભ્યો હોવાનું કહેવાય છે અને આ ત્રીસેત્રીસ સભ્યો પોતાની સાથેજ હોવાનો પાઇલટને ગળા સુધી વિશ્વાસ છે. આ સંગોજોમાં ગેહલોત વિધાનસભામાં બહુમતી પુરવાર નહીં કરી શકેતો એમણે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડશે અને તેમની સરકારનું પતન થશે. જો કે એ ગવર્નરને વિધાનસભાની નવેસર ચૂંટણી કરવાની ભલામણ પણ કરી શકે છે. અલબત્ત. એ ભલામણનો સ્વીકાર કરવો કે નહીં એનો આધાર ગવર્નરની મુનસફી પર રહે છે. 

જો કે છેક છેલ્લી ઘડી સુધીના કોંગ્રેસના પ્રયાસો ચાલુ હતા. રાહુલ ગાંધીએ સચિન પાઇલટને મળવા બોલાવ્યા હતા પરંતુ પાઇલટ મળવા ગયા નથી એવા નિર્દેશો મળ્યા હતા.  હવે પાઇલટ જૂથનો આધાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રહેશે. સુપ્રીમ કોર્ટ પક્ષાંતર ધારા હેઠળ આ જૂથને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરાવે તો ગેહલોત સરકારને નવું જીવનદાન મળી શકે. જો કે આવું સુપ્રીમ કોર્કટ કરે એવી શક્યતા ઓછી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ધારાસભ્યોને બળવો કરવાનો અને અસંમતિ દર્શાવવાનો પૂરેપૂરો અધિકાર છે. એ જોતાં સુપ્રીમ કોર્ટમાં પણ પાઇલટ જૂથને રાહત મળે તો નવાઇ નહીં.

  



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hu3Opp
via IFTTT

Post a Comment

أحدث أقدم