
અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર
ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સતત 30 દિવસ સુધી અમદાવાદમાં રોકાઈને બે ટેસ્ટ મેચ અને પાંચ ટી-20 મેચ રમવાની છે. કોરોના ફરી વખત વકરવાના એંધાણ મળી રહ્યાં છે ત્યારે મોટેરા સ્ટેડિયમ ખાતે સુરક્ષાની વ્યવસ્થા સંભાળનાર 3000 પોલીસ કર્મચારીઓની આરોગ્ય અને કોરોના તપાસણી શરૂ કરવામાં આવી છે.
આજે, રવિવારે મોટેરા સ્ટેડિયમ ખાતે પોલીસના કોરોના ટેસ્ટિંગ માટેની છાવણી શરૂ કરી દેવામાં આવી છે. પહેલા દિવસે રાષ્ટ્રપતિની નજીક બંદોબસ્તમાં રહેનારાં 200 પોલીસના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. લગભગ તમામ પોલીસના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું ઉચ્ચ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો તા. 24થી ત્રીજી ટેસ્ટમેચ અને તા. 4 માર્ચથી ચોથી ટેસ્ટમેચ રમનાર છે. ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં તા. 24ના રોજ મોટેરાના નવનિર્મિત સરદાર પટેલ સ્ટેડિયમનું લોકાર્પણ થનાર છે.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેનાર છે. તા. 24ના કાર્યક્રમ માટે પોલીસને હાઈએલર્ટ પર મુકવામાં આવી છે તેની સાથોસાથ કોરોના સંદર્ભે વિશેષ તકેદારી શરૂ કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમ ખાતે ફરજ ઉપર રહેનારાં પોલીસ કર્મચારીઓની કોરોના તપાસણી માટે આજે ખાસ છાવણી સ્ટેડિયમ ખાતે જ શરૂ કરવામાં આવી છે.
મોટેરા સ્ટેડિયમ ખાતે શરૂ કરાયેલી કોરોના ટેસ્ટિંગ છાવણીમાં રવિવારે 200 પોલીસ કર્મચારીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ અને શહેરના પોલીસ સ્ટેશનોના ચૂનંદા 200 પોલીસ કર્મચારી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની નજીકના સર્કલમાં સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાનાર છે.
બન્ને મહાનુભાવ સ્ટેડિયમ પર આવે અને પરત ફરે ત્યાં સુધી તેમની નજીકના સર્કલ એટલે કે 'ડી'માં ફરજ બજાવનાર 200 પોલીસ કર્મચારીના કોરોના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યાં છે. આ 200 પોલીસ કર્મચારીમાં ઘણાખરાં પોલીસ અધિકારી અમદાવાદ બહારથી બોલાવવામાં આવ્યાં છે.
ઉલ્લેખનિય છે કે, ઉદ્દઘાટન અને ક્રિકેટ મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ ખાતે સાત ડીસીપી સહિત 3000 પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. સ્ટેડિયમની અંદર અને બહાર કુલ સાત ડીસીપી, 16 એસીપી, 38 પી.આઈ, 146 પીએસઆઈ, 2100 હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ ઉપરાંત 550 હોમગાર્ડસ બંદોબસ્તમાં ગોઠવાનાર છે.
આ તમામ સુરક્ષા કર્મચારીના કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને નેગેટિવ રિપોર્ટ આવશે તેમને જ બંદોબસ્ત કામગીરીમાં ચાલુ રખાશે. 3000 પોલીસ, હોમગાર્ડસની આરોગ્ય તપાસણી માટે સ્ટેડિયમ ખાતે જ કોરોના ટેસ્ટિંગ છાવણી શરૂ કરી દેવાઈ છે.
તા. 24થી મોટેરા સ્ટેડિયમ ખાતે બે ટેસ્ટમેચ અને પાંચ ટી-20 મેચ રમાનાર છે. ભારત- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો કુલ 30 દિવસ સુધી અમદાવાદમાં રોકાણ કરનાર છે. બન્ને ટીમોને આશ્રમ રોડ ઉપર હોટલમાં ઉતારો અપાયો છે અને કોરોના નિયમોનું ચૂસ્ત પાલન અને સુરક્ષા અર્થે ખાસ પોલીસ ટીમો તહેનાત કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ, ગૃહ રાજ્યમંત્રીની સુરક્ષા માટે ATS, ક્રાઈમ બ્રાન્ચ તહેનાત
મોટેરા સ્ટેડિયમ ખાતે ભારત- ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટમેચ સાથે જ મોટેરા સ્ટેડિયમનું ઉદ્દઘાટન થવાનું છે. ઉદ્દઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ ઉપસિૃથતિ રહેવાના છે. આ બે મહાનુભાવોની સુરક્ષાની જવાબજદારી એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
આજે ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે લગભગ છ કલાક સુધી મોટેરા સ્ટેડિયમ ખાતે રહીને સમગ્ર વિગતો જાણી હતી. શહેર પોલીસ ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગૃહ રાજ્યમંત્રીની સુરક્ષામાં ગોઠવાઈ હતી. ગૃહ રાજ્યમંંત્રી તા. 22ના રોજ દિલ્હી પરત જશે. તેઓ તા. 24ના રોજ સ્ટેડિયમના ઉદ્દઘાટન સમારોહમાં પરત ફરશે તેવી સંભાવના સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZCwvcS
via IFTTT
Post a Comment