TDO ઈન્સ્પેક્ટરને કોર્પોરેટર દિલીપ બગરિયાએ ધમકી આપી


અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

અમદાવાદમાં કોરોનાના પ્રકોપ વચ્ચે ગેરકાયદે બાંધકામો તોડવા નહીં તેવો વિવાદી પરિપત્ર અગાઉના ટીડીઓએ બહાર પાડયો હતો, જેના પગલે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો ધમધમી રહ્યાં છે.

દરમ્યાનમાં આજે વેજલપુર વિસ્તારમાં કોમર્શીયલ પ્રકારનું ગેરકાયદે બાંધકામ થઈ રહેલ છે, તેને રોકવા ગયેલાં ટીડીઓ ઈન્સ્પેક્ટરને ત્યાંના સ્થાનિક કોર્પોરેટર દિલીપ બગરિયાએ ધમકી આપી નોટિસ-મનાઈ હુકમના કાગળને ફાડી નાખતા મામલો ગરમાયો છે.

આ અંગેની વિડીયો વાયરલ થઈ છે, જેમાં કોર્પોરેટર ખુલ્લેઆમ ગેરકાયદે બાંધકામને સહયોગ આપી રહ્યાનું જણાય છે. વોર્ડ ઈન્સ્પેક્ટર ચંદ્રકાન્તભાઈ અને ડે. ટીડીઓ કાંતુભાઈને જોઈ લેવાની ધમકી આપતાં તેઓ કહે છે કે, મેં આ માટે પાર્ટીમાંથી પણ મંજુરી લઈ લીધી છે. હું પોલિટિકલ માણસ છું, તમે તો નોકરિયાત છો ! બાજુમાં જુહાપુરામાં જાવને ત્યાં કેમ ગેરકાયદે બાંધકામોને રોકવા નથી જતા.

વેજલપુરની સત્યનારાયણ સોસાયટી પાસે થઈ રહેલાં કોમર્શીયલ પ્રકારના બાંધકામના મુદ્દે થયેલ આ ગરમાગરમીના પગલે ભારે વિવાદ શરૂ થયો છે. કોર્પોરેટર તરફથી વોર્ડ ઈન્સ્પેક્ટરે બાંધકામ કરનાર પાસે નાણાંકિય માગણી કરી હોવાનો આક્ષેપ પણ કરાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પુલકિત વ્યાસ નામના ભાજપના ઈસનપુરના કોર્પોરેટર ગેરકાયદે બાંધકામનો હપ્તો માગતા હોય તેવો ઓડિયો વાયરલ થતાં પણ ચકચાર મચી ગઈ હતી. ભાજપ અને કોંગ્રેસના કેટલાંક કોર્પોરેટરો ગેરકાયદે બાંધકામના હપ્તા ઉઘરાવતા હોવાનું અને અરજીઓ કરવા માણસો રાખ્યા હોવાનું મ્યુનિ. બોર્ડમાં ઓછામાં ઓછું ત્રણેક વખત ચર્ચાયું છે.

મધ્યઝોનમાં આ બાબતની સૌથી વધુ ફરિયાદો ઉઠી છે. બાદમાં પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારોમાં સ્થિતિ લગભગ સરખી છે. મધ્યઝોનમાં સંખ્યાબંધ હેરિટેજમાં નોંધણી થયેલાં મકાનો તુટીને ત્યાં ફલેટો અને શોપીંગ કોમ્પલેક્સ થઈ ગયા છે. ટીડીઓ ખાતાના ઈન્સ્પેક્ટરો કે અન્ય કર્મચારીઓ ક્યાંક તો અરજીઓ કરનારા તત્ત્વો સાથે સહયોગમાં હોય છે.

કોરોનામાં ટોળાં થાય એટલે ગેરકાયદે બાંધકામ તોડવા નહીં તેવો પરિપત્ર છે, પણ તેને નોટિસ આપીને રોકવા નહીં કે 'સીલ' પણ ના મારવા તેવું નથી. ઉત્તરઝોન, પૂર્વઝોન, દક્ષિણઝોનમાં પણ ગેરકાયદે બાંધકામોની ફરિયાદો થોકબંધ ઉભી થઈ છે. આવું જ ચાલશે તો આગામી સમયમાં અમદાવાદમાં ત્રીજી વખત ઈમ્પેક્ટ ફીની યોજના લાવવાની ફરજ પડશે તેમ જણાય છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/300rbRk
via IFTTT

Post a Comment

Previous Post Next Post