કર્ણાવતી ક્લબમાં ત્રણ કર્મચારીઓને કોરોના પોઝિટિવ જાહેર કરાયા


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર

ર્કર્ણાવતી ક્લબના ત્રણ સ્ટાફ મેમ્બરને કોરોના પોઝિટીવ હોવાનું આજે બહાર આવ્યું છે. આ ત્રણ વ્યક્તિઓમાં ઇવેન્ટ મૅનેજર રાજુ દવે, ક્લાર્ક જિતુ પારેખ અને આસિસ્ટન્ટ મૅનેજર દીપક ત્રિવેદીનો સમાવેશ થાય છે. જોકે કર્ણાવતી ક્લબ આ કારણે બંધ કરી દેવાનો કે ક્વોરન્ટાઈનમાં મૂકવાનો કોઈ જ નિર્ણય લેવાયો નથી. કારણ કે કોરોના પોઝિટીવ આવેલા ત્રણય સ્ટાફ મેમ્બર છેલ્લા પાંચ સાત દિવસથી ઑફિસમાં આવતા જ નહોતા.

કર્ણાવતી ક્લબના સ્ટાફ અને વહીવટ પર નજર રાખતા આર.કે. ભટ્ટને આ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે જિતુ પારેખ પહેલી સપ્ટેમ્બરથી જ રજા પર હતો. તેને તબિયત ઠીક ન હોવાનું જણાતા તે રજા પર ઉતરી ગયો હતો.

આ જ રીતે ઇવેન્ટ મૅનેજર રાજુ દવે પણ પાંચ દિવસ પૂર્વે રજા પર ઉતરી ગયો હતો. આસિસ્ટન્ટ મૅનેજર દિપક ત્રિવેદીના ભાભીનું સપ્તાહ પૂર્વે કોરોનાને કારણે નિધન થયું હોવાથી તેઓ પણ રજા પર ઉતરી ગયા હતા. 

આર.કે. ભટ્ટે જણાવ્યું હતું કે પહેલી સપ્ટેમ્બરે ક્લબ શરૂ કરવામાં આવી ત્યારે ક્લબમાં નિયમિત હાજરી આપવા માટે નક્કી કરેલા સ્ટાફનો કોરોના ટેસ્ટ અમ્યુકોની ખાસ ટીમ બોલાવીને કરાવવામાં આવ્યો હતો. આ તબક્કે કોઈને પણ કોરોના પોઝિટીવ ન હોવાનું જણાયું હતું. રજા પર ઉતરી ગયા બાદ  ત્રણેય નોકરી પર પાછા  હાજર થવા આવ્યા ત્યારે તેમને કોરોના ટેસ્ટ કરાવીને આવવા જણાવવામાં આવ્યુ ંહતું. 

આ ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી તેમને ઑફિસમાં એન્ટ્રી આપવામાં આવી નથી. તેમણે ફોન કરીને તેઓ કોરોના પોઝિટીવ આવ્યા હોવાની જાણકારી આપી હતી. તેથી તેમને ઘરે જ રહીને સારવાર લેવાની સૂચના આપવામાં આવી હતી. તેમના સંપર્કમાં ઑફિસના બહુ લકો આવ્યા જ નથી. તેઓ રજા પર ગયા ત્યાં સુધી સ્વસ્થ હતા, રજા પર ઉતર્યા પછી તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.

બીજું, કર્ણાવતી ક્લબ ચાલુ થયા પછી અમ્યુકોના અધિકારીઓ તેનું ઇન્સ્પેક્શન કરવા માટે ત્રણેકવાર આવી ગયા છે. તેમને પણ ઇન્સ્પેક્શન દરમિયાન તમામ નિયમોનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું બરાબર પાલન થતું હોવાનું પણ જણાયું હતું. તેથી ક્લબને ક્વોરન્ટાઈન કરવાની જરૂર ન હોવાનું આર.કે. ભટ્ટે જણાવ્યુ ંહતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k4gDYQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post